Sunday, December 16, 2012

સંગીતનો એક શૂર-સિતાર વાદક પંડિત રવિશંકર

દુનિયાભરમાં સિતાર અને ભારતીય સંગીતનો પર્યાય બની રહેલા પંડિત રવિશંકરનો જન્મ પુરાણપ્રસિદ્ધ નગરી કાશીમાં 1920ના એપ્રિલની સાતમીએ થયો હતો. તેમના પિતા પંડિત શ્યામા શંકર દસ ભાષા જાણતા હતા અને વિલાયતમાં જઇને બેરિસ્ટર એટ લૉ થયા હતા. ત્રણ ભાઇઓ પંડિત ઉદય શંકર, પંડિત રાજેન્દ્ર અને પંડિત રવિશંકરમાં રવિજી સૌથી નાના. પિતા શ્યામા શંકર તો આપણા ઝાલાવાડના દીવાનપદે પણ થોડો સમય રહ્યા હતા. પરંતુ રાજખટપટમાં રસ નહીં હોવાથી પાછળથી અમેરિકામાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર થઇને વસી ગયા હતા.પંડિત રવિશંકરનો જન્મ બંગાળી પરિવારમાં  થયો હતો. ખૂબ નાની ઉંમરે તેમણે પોતાની કારકિર્દીની શરૃઆત કરી દીધી હતી. તેમણે પોતાના ભાઈ ઉદયની સાથે નાટયમંડળીમાં યુરોપનો પ્રવાસ પણ કર્યો હતો પરંતુ ૧૯૩૦માં ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાન પાસે સિતાર શીખવા માટે ભારત પરત ફર્યા હતા. રવિશંકરને સૌ પ્રથમ ૧૯૪૧માં અલ્લાઉદ્દીનખાનની પુત્રી અન્નપૂર્ણાદેવી સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નજીવન થકી ૧૯૪૧માં શુભેન્દ્ર નામના પુત્રનો જન્મ થયો હતો. બાદમાં તેમનું વૈવાહિક જીવન ભાંગી પડયું હતું. શુભેન્દ્ર પણ સિતાર વગાડતા હતા, જેમનું મૃત્યુ ૧૯૯૨માં થયું હતું. પંડિત રવિશંકરને ન્યૂયોર્કની કોન્સર્ટ પ્રોડયુસર શુ જોન્સ સાથે પણ પ્રેમસંબંધો હતા, આ સંબંધોથી ૧૯૭૯માં નોરાહ જોન્સનો જન્મ થયો હતો. નોરાહ જોન્સે પણ પોપસંગીત ક્ષેત્રે ખૂબ જ નામના પ્રાપ્ત કરીને નવ જેટલા ગ્રેમી એવોર્ડ મેળવ્યા છે. પંડિત રવિશંકરની બીજી પત્ની સુકન્યા રાજન હતાં. સુકન્યા સાથેનાં લગ્નજીવન દરમિયાન ૧૯૮૧માં અનુષ્કાશંકરનો જન્મ થયો હતો. અનુષ્કા ૧૩ વર્ષની વયથી તેમની સાથે જ સિતાર વગાડતી હતી અને તેમની સાથે પ્રવાસ પણ કરતી હતી.


પંડિત રવિશંકરની ખ્યાતિ જેમ જેમ દેશવિદેશમાં વધતી ગઈ તેમ તેમ તેમની સિતારના સૂરનો સિતારો વધુને વધુ ચમકતો ગયો હતો. પંડિત રવિશંકર ભારતીય સંગીતના વૈશ્વિક દૂત બની રહ્યા હતા, પછી તો લોકો તેમને વિશ્વસંગીતના ગોડફાધર ગણવા લાગ્યાં હતાં. ગંગાની લહેરોની સાથે તેમની સિતારના સૂર સરહદના સીમાડાઓ ઓળંગી ગયા હતા. તેમની સિતારની સુરાવલીઓએ પશ્ચિમના દેશોનાં લોકહૈયામાં સિતારનું ઘેલું લગાડયું હતું. ભારતીય શાસ્ત્રીય સંગીત અને ભારતીય રાગનું વૈવિધ્ય લોકોના કર્ણપટલ પર તેમણે ગૂંજતું કર્યું હતું. બિટલ્સના જ્યોર્જ હેરિસન તેમજ યેહુદી મેનુહિન તેમનાં કલાકૌશલ્યથી પાગલ બની ગયા હતા.
પંડિત રવિશંકરને ૧૯૬૦માં હિપ્પી સંસ્કૃતિનું ઘેલું લાગ્યું હતું, તે પછી તેમણે માથા પરના વાળ હિપ્પી જેવા રાખવાનું પસંદ કર્યું હતું. પંડિતજીએ સાત વર્ષ સુધી ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન પાસે સંગીતની તાલીમ લીધી હતી અને ગંભીર, મન્દ્ર તેમજ ષડ્જ અવાજના સૂરો સિતાર પર રેલાવીને તેઓ વિખ્યાત બન્યા હતા. પંડિતજીએ તેમના ભાઈ ઉદયશંકર સાથે એક ડાન્સર તરીકે તેમની કરિયર શરૃ કરી હતી પણ તેમાં ખાસ રુચિ નહીં રહેતાં ૧૯૩૮માં તેમણે સિતારના તાર સાથે તાલમેલ સાધ્યું,પંડિત ઉદયશંકર ટોચના નર્તક હતા. માત્ર દસ વરસની વયથી રવિજી મોટાભાઇના નૃત્યવૃન્દમાં જોડાઇ ગયા હતા અને દેશ-વિદેશમાં ડાન્સના પ્રોગ્રામ કરતા હતા. એ સમયે ઉદય શંકરના વાદ્યવૃન્દમાં મૈહર ઘરાનાના મહારથી ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં સિતાર-સરોદ-સૂરબહાર અને બીન જેવાં વાદ્યો વગાડતા. નવરાશની પળોમાં રવિજી પણ તેમની પાસે બેસતા અને સિતાર વગાડવાની તાલીમ લેતા. રવિનો રસ જોઇને એક વાર ઉસ્તાદજીએ કહ્યું કે ડાન્સ અને સિતાર બંને સાથે જાય નહીં. તું નક્કી કર કે તારે શું કરવું છે. એક નાજુક પળે રવિજીએ સિતાર પસંદ કરી અને વિદેશની બાદશાહી રહેણીકરણી છોડીને ઉસ્તાદજી સાથે મૈહર આવી ગયા. મૈહર એ જમાનામાં નાનકડી રિયાસત હતી. બાબા તરીકે જાણીતા ઉસ્તાદજી એક ઝૂંપડીમાં રહેતા.

એમની પાસે રહીને પંડિતજીએ આઠ-નવ વરસ તાલીમ લીધી અને સિતાર તથા સરોદ પર ગજબનો કાબુ મેળવ્યો. એ રોજના દસથી બાર કલાક રિયાઝ કરતા. ઉસ્તાદજીનો આખોય ખજાનો મેળવવા એમણે ઉસ્તાદજીની પુત્રી અન્નપૂર્ણા સાથે લગ્ન પણ કર્યાં હતાં. એ લગ્નથી શુભેન્દુ નામે દીકરો થયો હતો જે ભર યુવાનીમાં અકાળે મૃત્યુ પામ્યો.ત્યારબાદ એમણે થોડો સમય બોલિવૂડની ફિલ્મોમાં સંગીત પણ પીરસ્યું. ખાસ કરીને ફિલ્મ અનુરાધા, મુનશી પ્રેમચંદજીની વાર્તા ગોદાન પરથી બનેલી ફિલ્મ ગોદાન, મીરાં ઉપરાંત સત્યજિત રેની પથેર પાંચાલી અને રિચર્ડ એટનબરોની જગવિખ્યાત ફિલ્મ ગાંધીમાં પણ રવિશંકરનું સંગીત હતું.
૧૯૪૫માં તેમણે પહેલાં શુદ્ધ ભારતીય રાગનું કમ્પોઝ કર્યું હતું. વેસ્ટર્ન મ્યુઝિક, જાઝ તેમજ અન્ય રાગ પણ તેમની પહેલી પસંદ હતા. રશિયા, જાપાન અને નોર્થ અમેરિકામાં તેમણે અનેક કાર્યક્રમો આપ્યા હતા. ૧૯૭૦માં તેઓ બિટલ્સના હેરિસન સાથે જોડાયા અને પછી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની ખ્યાતિએ કદી પાછું વાળીને જોયું નથી. પંડિતજીની સિતાર અને તેમનો સિતારો હંમેશાં બુલંદ જ બનતો ગયો હતો. તેઓ એક ઊંચા ગજાના ભારતીય શાસ્ત્રીય સંગીતજ્ઞા હતા. ભારતીય સંગીત અને ભારતીય સંસ્કૃતિની ધ્વજાપતાકા તેમણે વિશ્વમાં લહેરાવી હતી અને ભારતીય સંગીતને મુઠ્ઠી ઊંચેરૃં સન્માન અપાવ્યું હતું. પંડિત રવિશંકરે ભારતીય, કેનેડા, યુરોપ અને અમેરિકાની ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. સિતારના સૂરોની 'રાગ માલ' નિરંતર ચાલતી રહે તે માટે તેઓ સદાય તત્પર રહેતા.


પંડિત રવિશંકર ૧૯૬૬માં લંડનની ધ બિટલ્સના અગ્રણી સિતારવાદક જ્યોર્જ હેરિસનને મળ્યા હતા. હેરિસન પંડિત રવિશંકરથી પ્રભાવિત થઈને તેમની પાસેથી સિતાર શીખવા ભારત આવ્યા હતા. ધ બિટલ્સના 'નોર્વેજિયન વૂડે' પંડિત રવિશંકરને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારે ખ્યાતિ અપાવી હતી. ભારતની બહાર ઊજવાતા ભારતીય શાસ્ત્રીય સંગીતના ઉત્સવ ક્લિવલેન્ડ ત્યાગરાજ ફેસ્ટિવલના સ્થાપક અને રવિશંકરના પારિવારિક મિત્ર વીવી સુંદરમે જણાવ્યું હતું કે, તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતને ઉત્તર અમેરિકામાં લાવ્યા હતા. ધ બિટલ્સની સાથે જોડાણના કારણે વૈશ્વિક મંચ પર તેમણે સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. પંડિત રવિશંકર હંમેશાં નવી પ્રતિભાની શોધમાં રહેતા હતા અને તેમણે ઘણા ભારતીય શાસ્ત્રીય સંગીતકારોને પશ્ચિમમાં રજૂ કર્યા હતા.


અંગ્રેજી ફિલ્મો ધ ફ્લ્યુટ એન્ડ ધી એરો તથા ધ ચેરી ટેલમાં તેમનું સંગીત હતું પરંતુ ફિલ્મ લાઇનના કાવાદાવા અને ખોટ્ટી મસ્કાબાજીથી કંટાળીને એ પાછા શાસ્ત્રીય સંગીત તરફ વળ્યા. આકાશવાણીના દિલ્હી કેન્દ્રમાં તેમણે ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી હતી. પોતાના સાળા અને ગુરુભાઇ ઉસ્તાદ અલી અકબર ખાં સાથે મળીને તેમણે દેશ વિદેશમાં સિતાર અને સરોદની જુગલબંધી શરૃ કરી. એ રીતે લગભગ આખી દુનિયામાં ભારતીય સંગીત રજૂ કર્યું. એમની સાથે ઉસ્તાદ અલ્લારખ્ખા અને એમનો એવોજ પ્રતિભાશાળી દીકરો ઉસ્તાદ ઝાકિર હુસૈન તબલા પર સંગત કરતો. આ ચારેજણે વિદેશોમાં ભારતીય સંગીતનો એવો ડંકો વગાડ્યો કે બીટલ્સ તરીકે પ્રખ્યાત પોપ કલાકારોમાંના જ્યોર્જ હેરિસને રીતસર પંડિતજીનું શિષ્યત્વ સ્વીકાર્યું.

એ જ રીતે જગવિખ્યાત વાયોલિન વાદક યહૂદી મેન્યુહીન સાથે પણ પંડિતજીએ વાયોલિન અને સિતારની જુગલબંદીના અનેક પ્રોગ્રામ કર્યા. સિતારવાદનમાં તેમની એવી માસ્ટરી હતી કે એ સિતારને જાણે ગવડાવતા. ટોચના સમીક્ષકો કહેતા કે પંડિત રવિશંકર સિતારને ગવડાવે છે. સતત પ્રયોગશીલ રહીને એમણે સિતારવાદનમાં અનેક સીમાસ્તંભ સર કરેલા. એમના પ્રખર શિષ્યોમાં શમીમ અહમદ અને એમનાં છેલ્લાં લગ્નથી થયેલી પુત્રી અનુષ્કાનાં નામ મોખરે છે. પંડિતજીની વિદાયથી એક યુગનો અસ્ત થયો એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

0 comments: