1942નાં ગુજરાતના પ્રથમ શહિદ- વિનોદ કિનારીવાલા
૯ ઓગષ્ટ,૧૯૪૨..મહાત્મા ગાંધીજીએ કહ્યું..ગોરાઓ-હિન્દ છોડો..એ સાથે જ સમગ્ર દેશમાં ‘કરેંગે યા મરેંગે’ના નારા સાથે લાખો યુવાનો આઝાદીની આખરી લડાઈ માટે મેદાને પડ્યા. ગાંધીજી સહિત કોંગ્રેસના તમામ નેતાઓને તો જેલભેગા કરવામાં આવ્યા હતા. એથી મુંબઈમાં નેતૃત્વ અરુણા અસફ અલી જેવી વિરાંગના એ લીધું તો અમદાવાદમાં વિનોદ કિનારીવાલાએ. અરુણા એ ગોવાળિયા ટેંક ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ધરપકડ વહોરી તો વિનોદ કિનારીવાલા નામના ૧૮ વર્ષના ગુજરાતી કિશોરે રાષ્ટ્રધ્વજની આન-બાન-શાન સાચવવા અંગ્રેજ સાર્જન્ટની રિવોલ્વરની ગોળી અત્યંત બહાદુરીપૂર્વક પોતાની છાતી પર ઝીલી અને રાષ્ટ્રની આઝાદી કાજે શહાદત વહોરી. સ્થળ હતું ગુજરાત કોલેજ, અમદાવાદ. વીર શહીદનું સ્મારક તો આજે પણ ઉભું છે પણ અહી શ્રદ્ધાંજલિ અર્પવા ય કોઈ આવતું નથી. વિનોદ કિનારીવાલાની સ્મૃતિ હવે તો એક રસ્તાના નામે જ સંઘરાયેલી છે.
હજુ તો જેને મુછનો દોરો માંડ ફૂટ્યો હતો અને હજુ તો જેણે દુનિયા જોવાની બાકી હતી એવા વીર દેશભક્ત વિનોદ કિનારીવાલાના આજના શહાદત દિને દેશભક્તિની માત્ર વાતો કરનારા ભાજપીઓ પણ ન ફરક્યા એ અત્યંત ખેદજનક વાત છે.ઈ.સ. ૧૯૪૨ની આઝાદીની ચળવળનો ગુજરાતનો પ્રથમ શહીદ એટલે વીર વિનોદ કિનારીવાલા. તેમનો જન્મ તા. ૨૦-૯-૧૯૨૪ ના રોજ થયો હતો. માત્ર અઢાર વર્ષનો આ અરમાનભર્યો યુવાન આઝાદીના માંચડે અમર થઈ ગયો. ‘ઈન્કલાબ ઝિંદાબાદ’ ના ગગનભેદી નારાઓથી આકાશ ગુંજી ઊઠતું હતું. ગુજરાત કોલેજ આવતા પહેલાં જ વીર વિનોદ રાષ્ટ્રધ્વજ પોતાના હાથમાં લઈ લીધો હતો ને સંચાલકને કહ્યું હતું: “સાહેબ, હું વાવટાની શાન નહી જવા દઉં. તમારા હુકમનું પાલન કરીશ-ભલે મારો પ્રાણ જાય.” અને ખરેખર આ અંતરનો અવાજ સાચો કરી બતાવ્યો. ભાઈ વિનોદને ધ્વજ છોડી દેવા અંગ્રજ સાર્જન્ટે ધમકી આપી. પણ વિનોદે તેની સામે નજર સુદ્ધાં ન કરી ત્યાં જ જાલીમોની ગોળી ખુલ્લી છાતીમાં ધસી આવી અને રક્તનો ફુવારો છુટ્યો એક નાજુક ફૂલને કચડી મંદાધો મલકાયા. એનો નશ્વરદેહ પંચમહાભૂતોમાં ભળી ગયો પણ તેનો આત્મા અનેકોને માટે પ્રેરણારૂપ બની ગયો. શ્રી જયપ્રકાશજીએ સાચુ કહ્યું છે કે યુદ્ધમાં લોકો ભાગતાઉં ગોળીઓ ખાઈને મરે છે, પરંતુ શહીદ કિનારીવાલાનું મૃત્યુ સૈનિક જેવું સામાન્ય ન હતું. એ વીર ધર્મ કાજે, સિદ્ધાંત ખાતર, દેશને માટે, ત્રિરંગી ઝંડા સાથે મૃત્યુને ભેટ્યો છે. એ જ એની મહત્તા છે એના મૃત્યુમાંથી પ્રેરણા મેળવીએ કે હિંદનો નાગરિક વિશ્વના બીજા નાગરીકો સાથે ઉન્નત મસ્તકે ચાલે. વિનોદ ! તું અમારી દીવાદાંડી બનજે.
0 comments:
Post a Comment